રામમંદિર માટે પોતાનું સર્વસ્વ અર્પણ ન્યોછાવર કરનાર સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોવિંદભાઈનું થયું લીવર ટ્રાન્સપ્લાન્ટ, મળ્યું નવજીવન

385
Published on: 12:49 pm, Wed, 6 October 21

સુરતનાં પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાને આજે કોણ નથી ઓળખતું! તેઓ આજે સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા છે ત્યારે હાલમાં એમને લઈ એક સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

હજુ 2 દિવસ અગાઉ જ બ્રેઈનડેડ જાહેર થયેલ વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે. સુરતનાં કતારગામમાં આવેલ કિરણ હોસ્પિટલમાં અંદાજે 9 કલાકની શસ્ત્રક્રિયા પછી ગોવિંદભાઈને નવજીવન મળ્યું હતું. અત્યાર સુધીમાં 2,000થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાની ટીમ દ્વારા આ ઓપરેશન થયું હતું.

આપને જણાવી દઈએ કે, ગોવિંદભાઇ ગુજરાતના સુરતના સૌથી અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ અમરેલી જિલ્લામાં આવેલ દૂધાળા ગામના વતની છે. 13 વર્ષની ઉંમરમાં સુરત હીરા ઘસવાના કામ સાથે જોડાયા હતાં.

વર્ષ 2018થી લિવર ખરાબ હતું:
ગોવિંદભાઈ ધોળકિયાનું લિવર વર્ષ 2018થી ખરાબ થયું હોવાનું સામે આવ્યું છે. આની પહેલા પણ હર્ણિયાના ઓપરેશન દરમિયાન લિવર ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, 2 મહિના અગાઉ જ તેમને કમળો થતા લિવર વધારે બગડ્યું હોવાથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

વલસાડની શિક્ષિકાએ ધોળકિયાને જીવનદાન આપ્યું:
વલસાડના બ્રેઈનડેડ યોગ શિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાનું માર્ગ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. હજુ 2 દિવસ અગાઉ જ તેમને બ્રેઈનડેડ જાહેર કરાતાં પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાંથી લિવર ગોવિંદભાઈ ધોળકિયાને આપવાનું નક્કી થયું હતું.

રામમંદિર નિર્માણનિધિમાં 11 કરોડનું દાન કર્યું હતું:
ગોવિંદભાઈ ધોળકિયા સુરતમાં શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સ નામની ડાયમંડ કંપની ચલાવી રહ્યા છે. સમગ્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમનો હીરાનો વેપાર ફેલાયેલો છે. તેઓ પોતાના સખાવતી કાર્યોથી વધારે જાણીતા બન્યા છે. હાલમાં જ એમણે રામમંદિર નિર્માણ માટે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ હોવાથી 11 કરોડનું દાન કર્યું હતું.

ગોવિંદભાઈના અન્ય અંગો ખૂબ સારા:
શનિવારે કિરણ હોસ્પિટલમાં કરાયેલ ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે, તેમનું લિવર હજુ 3 વર્ષ હજુ ચાલે તેમ હતું. જો કે, તબીબોએ જણાવ્યું હતું કે, હાલમાં 72 વર્ષની ઉંમર હોવાથી પછી ઓપરેશન કરવું તેના કરતાં અત્યારે લિવર સારૂં મળી રહ્યું છે તો ઓપરેશન કરાવી શકાય. જો કે, ગોવિંદભાઈના લિવર સિવાયના અંગો 60 વર્ષની ઉંમરની વ્યક્તિના હોય તેટલા હેલ્ધી રહેલા છે.