મોટાભાગના લોકો નહીં જાણતા હોય વરસાદના અનેક પ્રકારો વિશે

224
Published on: 2:47 pm, Sat, 14 August 21

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, આ વચ્ચે આજે અમે તમે આ લેખમાં વરસાદના અલગ-અલગ પ્રકાર વિશે જણાવીશું, જે 99% લોકો નહીં જાણતા હોય. વરસાદી ઋતુ જામી છે. ચોતરફ વનરાજી ખીલી ઉઠી છે. પશુ-પંખીઓ, જીવજંતુઓ અને ગરમીથી અકળાઈ ગયેલાં લોકોમાં ઠંડકના શ્વાસ ઘૂંટાયા છે. વરસાદ આવે એટલે સૌ કોઈ એનાં પ્રેમમાં પડી જાય,

ભીંજાય, પલળે અને નાચી ઉઠે! વરસતાં વરસાદમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈને આ પંક્તિ તો યાદ આવ્યાં વગર રહે જ નહીં,”આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ..” પંક્તિની વાત આવી તો, ગુજરાતી ભાષા સાહિત્યમાં લોક મુખે અને કવિઓની કલમે અનેક વરસાદી રચનાઓ આલેખાય છે. જેમાં ક્યાંક વરસાદને ધોધમાર કહ્યો છે, તો ક્યાંક ઝીણો ઝરમર વરસતો મેઘ! ત્યારે આવો આપણે જાણીએ ગુજરાતી સાહિત્યમાં આલેખાયેલાં વરસાદના પ્રકારો વિશે

અનરાધાર:
એવો વરસાદ કે, જેના એક છાંટાને બીજો છાંટો અડે અને ધારની માફક પાણી વરસે એવાં સતત વરસતાં વરસાદને અનરાધાર વરસાદ કહે છે.

ફરફર:
એવો વરસાદ કે, જેનાથી ફક્ત હાથ-પગના રૂંવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ! જે આવે એટલે સામાન્ય રીતે લોકો એમ કહે કે, મેહ આવ્યો પણ ડોકિયું કરીને ચાલ્યો ગયો! જેને ઝરમર પણ કહી શકાય…

કરા:
નાના-નાના બરફના ટુકડાનો વરસાદ, જેનો અનુભવ ગુજરાતમાં તો ભાગ્યે જ ક્યારેક થાય છે!

છાંટા:
ફરફર કે ઝરમર વરસાદથી સહેજ વધુ વરસાદ, જે આપણે રોજિંદા જીવનમાં બોલીએ જ છીએ કે,”છાંટા આવ્યા!” જેનાથી માત્ર ઘરની અગાસી અને નગરના રસ્તા ભીના થાય…

પછેડીવા:
પછેડીવા એટલે હળવો વરસાદ, જેનાથી રક્ષણ મેળવવા પછેડી જેવું કપડું શરીર આડું કરી દેવામાં આવે તો સહેલાઈથી બચી શકાય.

નેવાધાર:
ઘર માથે રહેલાં છાપરા કે નેવામાંથી પાણીની ધારે વહે તેવો વરસાદ. જ્યારે વરસાદ પડે ત્યારે ઘરના છાપરાં પરથી પાણી નીચે પડે તેને નેવાધાર વરસાદ કહે છે.

મુશળધાર:
અનરાધારથી વધુ હોય એવો વરસાદ, જેને સાંબેલાધાર વરસાદ પણ કહે છે.

ઢેફાભાંગ:
એવો તીવ્રતા ભર્યો વરસાદ કે જેના આવવાથી ખેતરમાં રહેલ માટીના ઢેફા ભાંગી જાય…

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…