આગામી દિવસોમાં એટલે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની પડવાની સંભાવનાઓ છે. મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ ભાગ, મધ્યપ્રદેશના ભાગ, ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગો અને રાજસ્થાન રાજ્યના ભાગોમાં સારો એવો વરસાદ પડવાની પુરેપુરી સંભાવનાઓ છે. આ ઉપરાંત તારીખ 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબરમાં પણ વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે અને 20 તારીખથી 22 ઓક્ટોબર દરમિયાન પણ હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 % જેટલો વરસાદ ખાબક્યો છે. મહત્વની વાત તો એ છે કે, સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ નોંધાઈ હતી, પણ સપ્ટેમ્બર મહિનામાં પડી રહેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા સર્જાઈ છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ જોવા મળી છે.
અમદાવાદ શહેરમાં સીઝનનો 25 ઈંચ વરસાદ નોંધાયો:
રાજ્યમાં ચોમાસાએ તપ ગાભા કાઢી નાખ્યા છે અને ખુબ જ જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખુબ જ સારો વરસાદ થયો છે. ત્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. ચોમાસાની વર્તમાન સીઝન દરમિયાન અમદાવાદ શહેરમાં 25 ઈંચથી વધારે વરસાદ નોંધાઇ ચૂક્યો છે. હજુ પણ વરસાદની 40 % જેટલી ઘટ જોવા મળી રહી છે. જોકે, રાહતની વાત તો એ છે કે, અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
હજુ પણ રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે:
અમદાવાદ શહેરમાં 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ ખાબક્યો હોવાથી હજુ પણ અમદાવાદ શહેરમાં સામાન્ય કરતાં 40 % ઓછો વરસાદ ખાબક્યો છે. જયારે બીજી બાજુ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.